પોરબંદર

પોરબંદર શહેરમાં પાલિકા ની ટીમ દ્વારા સર્વે હાથ ધરી 28 જર્જરિત મિલકત ધારકો ને નોટીસ પાઠવી છે.

ચોમાસું નજીક છે ત્યારે વરસાદ અને વાવાઝોડા ના કારણે પોરબંદર માં જુના અને જર્જરિત મકાન પડી જાય તો જાનહાની અથવા અકસ્માત સર્જાય તેવી ભીતિ ના પગલે પાલિકા દ્વારા આવી મિલકતો અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.જેમાં વોર્ડ નંબર 1 થી 4 એટલેકે જુના પોરબંદરમાં 28 જેટલા મકાનો જર્જરિત હોવાનું સામે આવ્યું છે.વાવાઝોડા દરમ્યાન આ જર્જરિત મકાનો ધરાશાયી થવાની શકયતા રહે છે.અને આ મકાનો ધરાશાયી થાય તો જાનહાની સર્જાઈ શકે છે.જેથી પાલિકા દ્વારા તમામ 28 મિલકત ધારકોને નોટિસ પાઠવી છે.

જેમાં જણાવ્યું છે કે 7 દિવસ માં તેઓના જર્જરિત મકાન નું સમારકામ કરવા અથવા ઉતારી લેવા જણાવ્યું છે.જો કે દર વર્ષે ચોમાસા પહેલા પાલિકા દ્વારા આ રીતે જર્જરિત મિલકત ધારકોને નોટિસ આપી સંતોષ માની લેવામાં આવે છે.પરંતુ ત્યાર બાદ કોઈ કામગીરી કરવામાં આવતી નથી.જેથી દર વખતે મકાનો અથવા તેની દીવાલો ધરાશાયી થવાના બનાવો બનતા હોય છે.કેટલાક મકાનોમાં જુના ભાડુઆત નજીવા ભાડે રહેતા હોવાથી આવા મકાનો ના સમારકામ માં મકાન માલિકો ને રસ હોતો નથી.તો કેટલાક મકાન માલિક વિદેશ રહેતા હોવાથી તેઓના મકાન બંધ હાલતમાં હોય છે.