ફાઈલ તસ્વીર

પોરબંદર

પોરબંદર માં છ વર્ષ થી બંધ સિટીબસ સેવા ફરી શરુ થશે.આ અંગે રાજ્ય સરકારે મંજુરી આપતા પાલિકા દ્વારા તેની ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે.

પોરબંદરમાં ૨૦૦૧ થી કાર્યરત કારગીલ પરિવહન ની સીટી બસ સેવા ઇ.સ.ર૦૧૬માં બંધ થઇ હતી.અને ત્યાર બાદ પાલિકા દ્વારા ર૦૧૮માં કોન્ટ્રાક્ટ મારફત બસ સેવા ફરી શરૂ કરવામાં આવી હતી.પરંતુ તેને કામચલાઉ મંજુરી અપાઈ હોવાથી તે માત્ર ચાર મહીના પુરતી જ ચાલી હતી.તે બંધ થતા છેલ્લા છ વરસ થી પોરબંદરવાસીઓને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે.અને સિનીયર સીટીઝનો,મહિલાઓ,કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.અને મસમોટા રીક્ષાઓના ભાડા ચુકવવા પડી રહ્યા છે.

સીટી બસ બંધ હોવાથી રીક્ષાચાલકો બેફામ બન્યા છે.શહેરમાં મુસાફરી માટે અન્ય કોઇ વાહનો ન મળતા હોવાથી મુસાફરોની મજબુરીનો લાભ પણ અમુક રીક્ષાચાલકો લઇ મનફાવે તેવા ભાડા વસુલી રહ્યા છે.જેથી સિટીબસ સેવા શરુ કરવા અનેક રજૂઆત બાદ હવે રાજયસરકારે બસ સેવા શરુ કરવા મંજુરી આપી છે.આ અંગે પાલિકા ના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી એ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના અંતર્ગત શહેર માં સીટી બસ સેવા શરુ કરવા રાજ્ય સરકારે મંજુરી આપી છે.જેથી પાલિકા દ્વારા તેને લઇ ને ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે.આ યોજના અંતર્ગત ૧૧ જેટલી આધુનિક સીએનજી સિટીબસ શહેર ના છાયા,બોખીરા,ખાપટ,સાંદીપની,જીલ્લા સેવા સદન ૧ અને 2 સહિતના વિસ્તાર માં દોડશે.જેમાં સુદામા ચોક થી સુદામા ચોક સુધી વીસ કિમી અંતર ના બે સર્ક્યુલર રૂટ નો પણ સમાવેશ થાય છે.

તમામ બસો તમામ સુવિધા ધરાવતી અને સીસીટીવી કેમેરા થી સજ્જ હશે.પીકઅપ પોઈન્ટ પર આધુનિક બસ સ્ટોપ નું પણ નિર્માણ કરવામાં આવશે.વધુ માં તેઓએ જણાવ્યું હતું કે ૧૧ સિટીબસ સિવાય અન્ય બે બસો પ્રવાસીઓ માટે મુકવામાં આવશે.જે બહાર થી આવતા યાત્રાળુઓ ને પોરબંદર ના વિવિધ જોવાલાયક સ્થળો ના દર્શન કરાવશે.