ફાઈલ તસ્વીર

પોરબંદર

પોરબંદર ના ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શહેરીજનો ને અપીલ કરાઈ છે.કે આપ સૌ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છો.આપના તરફથી વિવિધ ક્ષેત્રે સરાહનીય કામગીરી કરવામાં આવે છે.આપની આ માનવતાવાદી પ્રવૃત્તિઓથી અમોને પ્રેરણા અને નૈતિક બળ મળે છે.અને આ કારણે અમે આપની પાસે સહકારની અપેક્ષા સાથે એક નમ્ર નિવેદન લઈને આવ્યા છીએ.

કુદરતની મહેરબાનીથી આપણને સૌને માનવ અવતાર મળ્યો છે. ઈશ્વરે આપણને વિશેષ બુદ્ધિ, વાચા અને હાથ આપેલા છે,જેથી જ્યારે આપણને દુઃખ અને પીડા થાય ત્યારે આપણે આપણી તકલીફ અન્યને વ્યક્ત પણ કરી શકીએ છીએ અને મદદ પણ માંગી શકીએ છીએ.આ ઉપરાંત આપણને ઈશ્વરે એટલા સક્ષમ બનાવ્યા છે કે આપણને થતા દુખ કે પીડા પોતાના હાથે દુર કરી શકીએ છીએ,પરંતુ આપણી આસપાસના અન્ય જીવોને બોલવાની ક્ષમતા નથી,તેથી તેઓને પોતાની પીડા વ્યક્ત કરવા માટેનું કોઈ માધ્યમ નથી. તેઓની આંખમાં વરસતી કરુણા અને લાચારી જ એમની પીડા વ્યક્ત કરવાનું માધ્યમ છે. જે આપ સૌ જેવા સેવાભાવી તેમજ દયાભાવના વાળા માણસોજ પારખી-સમજી શકે છે. તો આપણે સૌ સાથે મળી આ અબોલ જીવોનો અવાજ બનીએ અને એને મદદ કરવાની એક પહેલ કરીએ.

આપ સૌ જાણો જ છો કે પોરબંદરના રસ્તા પર મોટી સંખ્યામાં ગૌધન રઝળતું – રખડતું જોવા મળે છે. જે તેઓની મરજીથી રસ્તા પર આવેલ નથી. દૂધનો સ્વાર્થ પૂરો થઈ ગયા પછી માણસો દ્વારા જ એને રસ્તા પર રખડતા-રઝળતા મૂકી દેવામાં આવે છે. ઉપરાંત અત્યારે એમના હક્કના ગૌચરની જમીન પણ કોઈ જગ્યાએ ખાલી નથી. આપણે સૌ તેઓના બચ્ચાઓના હક્કના દૂધનો ઉપયોગ કરીએ છીએ. આપણે આ મૂંગા જીવોના ઋણી છીએ તેઓના દૂધનું ઋણ ઉતારવું એ આપણી સૌની નૈતિક ફરજ છે. અને તેઓને જીવન નિર્વાહ માટે મદદ કરવી એ માનવતાની દ્રષ્ટિએ પણ આપણી જ ફરજ છે.

આપ સૌ સુવિદિત હશો કે પોરબંદર-છાર્યા નગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ગૌધનને પકડીને પોરબંદરની બાજુના ઓડદર ગામની ગૌશાળામાં રાખવામાં આવે છે, જ્યાં આ ગૌધન માટે પૂરતા પ્રમાણમાં ઘાસ-ચારો, પીવાનું પાણી બીમાર પશુઓની સારવાર, ટાઢ તડકાથી રક્ષણ માટે છાપરું, નાનાવાછરુઓને અલગ રાખવાની વ્યવસ્થા વગેરે જેવી લઘુતમ પાયાની સગવડો પણ પુરતા પ્રમાણ માં ઉપલબ્ધ નથી. ગયા વર્ષે ટાઢ-તડકા, ભૂખ અને બીમારીના કારણે કુલ ૩૬૦ માંથી ૩૦૦ જેટલા ગૌધનના અકાળે કરુણ મોત થયા હતા. આ વર્ષે ફરીથી નગરપાલિકા દ્વારા નગરવ્યવસ્થાના નામે ગૌધનને પકડીને ઓડદર સ્થિત ગૌશાળામાં મુકવામાં આવી રહ્યાં છે. હવે સર્વ સામાન્ય અને વૈચારિક-તાર્કિક વાત એ છે કે લોક હિત અને પશુહિત ને ધ્યાનમાં રાખી આ અબોલ જીવોને કોઈજ પુરતી સગવડો વિનાની ઓળદરની ગૌ શાળામાં તડપતાં છોડી દેવા એના વિકલ્પમાં પોરબંદરની હાલ ઉપયોગમાં ન લેવાતી હોય એવી ખુબ વિશાળ જગ્યાઓ છે. જેવી કે જગદીશ ઓઈલ મીલ, મહારાણા મીલ, એચ.એમ.પી.કોલોની મેદાન, મિડલ સ્કૂલ જેવી બંધ પડેલી સ્કૂલો તેમજ અમુક બંધ પડેલી ટ્રસ્ટ ની જગ્યાઓ વગેરેની માંગણી કરી તેમાં આ ગૌધનને સાચવવાની વ્યવસ્થા કરવામાં આવે અને ઘાસચારો કે લીલું વેચવાવાળા ને ફક્ત એ જગ્યાઓ પર જ વેચાણની મંજૂરી આપવામાં આવે તો પોરબંદરની સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી જાહેર જનતાના સહકારથી ગૌધનના નિભાવની સમસ્યાનો હલ શક્ય બનશે, અને આ બાબતે અમો અમારાથી શક્ય એટલા પ્રયત્નો કરી રહ્યા છે,

હાલમાં નગરપાલિકા દ્વારા શહેરમાં પશુઓ ને ઘાસચારો આપવાની પણ મનાઈ કરવામાં આવી છે. જેને પરિણામે શહેરમાં જે બીનમાલિકીના પશુઓ છે તે ભૂખે મરી રહ્યા છે. આ નિર્ણય માનવતાની દ્રષ્ટિ એ બિલકુલ યોગ્ય નથી. આ પશુ કોઈ ગુન્હેગાર નથી કે એને આ રીતે ભૂખે મારવાની સજા આપવામાં આવે. જો ઘાસચારો વેચવાનો બંધ જ કરવો હોઈ તો પહેલા આ પશુઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી બને છે.

જેથી આ અંગે સંસ્થાઓ દ્વારા કલેકટરનું ધ્યાન દોરવામાં આવે તો નક્કર પરિણામ મળે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.