પોરબંદર

પોરબંદર માં સાત વર્ષ જુના મનદુઃખ ના કારણે ચાર શખ્સો એ યુવાન નું અપરહણ કરી ઢોર માર માર્યા ની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મૂળ કુતિયાણા ના રેવદ્રા ગામનો વતની અને હાલ લોધિકા ના પાળ ગામે રહી ટ્રક ડ્રાઈવિંગ કરતા દિલીપભાઈ અરજણભાઈ ઓડેદરા (ઉવ ૩૦)નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ બોખીરા વિસ્તાર માં રહેતા રામ કાનાભાઈ બોખીરીયા સાથે તેને સાતેક વર્ષ અગાઉ ભાગીદારી માં ટ્રક હતો.પરંતુ તેમાં મનદુઃખ થતા તેઓ અલગ પડી ગયા હતા.તા 10 ના રોજ તે પોતાના સાળા સમીર ના ઘરે આવ્યો હતો.અને સમીર સાથે સાંજે સાતેક વાગ્યે ત્રણ માઈલ પાસે આવેલ હોટલ પાસે કાર રાખી અને કાર માં બેઠા હતા.ત્યારે રામ ઉપરાંત તેનો સાળો જયેશ કાર લઇ ને ત્યાં આવ્યા હતા.

અને કાર માંથી ધોકો લઇ દિલીપભાઈ ની કાર ના કાચ તોડી નાખ્યા હતા.અને દિલીપભાઈ સાથે ઝપાઝપી કરી હતી ત્યાર બાદ દિલીપભાઈ નું તેની જ કાર માં અપહરણ કરી રામ ની વાડીએ લઇ ગયા હતા.જ્યાં તેના પિતા કાનાભાઈ લગધીરભાઈ તથા અન્ય એક નવઘણ નામનો શખ્શ હાજર હતા.ત્યાં ચારેયે દિલીપભાઈ ને ઢીકા પાટુ નો માર મારી અને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યાર બાદ કાર લઇ ને તેણે અજ્ઞાત સ્થળે લઇ જતા હતા.ત્યારે ખાપટ નજીક પોલીસે તેને મુક્ત કરાવ્યો હતો.અને તેને ઈજાઓ થઇ હોવાથી સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડ્યો હતો.પોલીસે ચારેય શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.