પોરબંદર

પોરબંદર પીજીવીસીએલ દ્વારા લાંબા સમય થી વીજબીલ ન ભર્યું હોય તેવા ૧૭૭ લોકો ના વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે.હજુ પણ ૩૦૦૪૨ ગ્રાહકો પાસે થી બાકી નીકળતા રૂ૮.૩૭ કરોડ વસુલવા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળે છે.

પોરબંદર પીજીવીસીએલ સર્કલ દ્વારા લાંબા સમયથી વિજબીલ ભર્યું ન હોય તેવા ગ્રાહકો ના કનેક્શન કટ કરવા દિવાળીના તહેવાર દરમ્યાન ઝુંબેશ ચલાવવામાં આવી હતી.૫૦ થી ૬૦ ટીમો દ્વારા બાકી રહેતા નાણા વસુલવા કામગીરી હાથ ધરાઈ હતી.જેમાં માસ સુધીમાં વિજબીલ ન ભરનાર ગ્રાહકો માં રૂ.૨૫ હજાર કે તેથી વધુ બિલ બાકી હોય તેવા ૧૨૩ ગ્રાહકોના ૪૯.૦૯ લાખ બાકી હતા.

તેની સામે કાર્યવાહી કરવા ટીમ પહોંચતા 31 ગ્રાહકોએ 13.27 લાખ રૂપિયા ભરી દીધા હતા.આથી તેઓના કનેક્શન કાપ્યા ન હતા.જ્યારે 53 ગ્રાહકો ના રૂ. 19.92 લાખ બાકી નીકળતા હતા.જે તેઓએ ન ભરતા તેઓના કનેક્શન કટ કરવામાં આવ્યા હતા.ઉપરાંત રૂ. 25 હજાર થી ઓછી બાકી નીકળતી રકમ હોય પરંતુ લાંબા સમય થી બાકી હોય તેવા 41841 ગ્રાહકો ના રૂ. 11.60 કરોડ વિજબિલ પેટે બાકી નીકળતા હતા.તેની સામે કાર્યવાહી કરવા ટીમ પહોંચતા 11675 ગ્રાહકોએ તેના બાકી નીકળતા રૂ. 3.14 કરોડ ભરી દીધા હતા.પરંતુ 124 ગ્રાહકો એ રકમ ન ભરતા તેઓના વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા છે.આમ કુલ 177 વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા છે.હજુ પણ 30042 ગ્રાહકો એ પોતાનું વિજબીલ લાંબા સમયથી ભર્યું ન હોવાથી તેમની પાસેથી કુલ રૂ. 8.37 કરોડ વસુલવાના છે.જેના માટે આગામી સમય માં ઝુંબેશ શરુ કરવામાં આવશે તેવું પીજીવીસીએલનાં અધિકારી એ જણાવ્યું હતું.