પોરબંદર

પોરબંદર પંથક માં અકસ્માત ના બે અલગ અલગ બનાવો માં બાળક સહીત ત્રણના મોત થયા છે.

મિયાણી ગામે કોળીવાડ માં રહેતા કેશુભાઈ વીકમભાઈ વાઘેલા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેનો કૌટુંબિક ભાઈ ચનાભાઈ કરશનભાઈ વાઘેલા (ઉવ ૨૮) તેની સાથે બાઈક પર મિયાણી ગામે જ રહેતા કેશુભાઈ આવડા બારિયા (ઉવ ૨૨) ને લઇ ને મિયાણી ના મેઢાક્રિક ડેમે થી પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા.ત્યારે રસ્તા માં ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક સામે થી ટ્રેક્ટર ચાલક કારાભાઈ ભીખુભાઈ મોરી પોતાનું ટ્રેક્ટર પુરઝડપે ચલાવી ને આવતો હતો.અને ચનાભાઈ ના બાઈક ને અડફેટે લીધું હતું.જેથી બન્ને ને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ બન્ને ના મોત નીપજ્યા હતા.અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક ત્યાંથી ટ્રેક્ટર લઇ ને નાસી ગયો હતો.પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બનાવ ના પગલે નાના એવા મિયાણી ગામે અરેરાટી વ્યાપી ગઈ હતી.મૃતક ચનાભાઈ પરણિત હોવાનું જાણવા મળે છે.

અન્ય એક બનાવ માં આદિત્યાણા ગામે જુના વણકરવાસ માં રહેતા રસિકભાઈ પુનાભાઈ પાંડાવદરા (ઉવ ૩૭)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ફટાણા ગામે રામદેવપીર ની મૂર્તિ ની પ્રાણપ્રતિષ્ઠા કરવાની હોવાથી ગઈકાલે સવારે આદિત્યાણા ગામે થી મૂર્તિ લઇ તે તથા તેના સગાસબંધીઓ અલગ અલગ રીક્ષાઓ તથા વાહનો માં ફટાણા ગામે જઈ રહ્યા હતા.ત્યારે સવારે સાડા અગિયારેક વાગ્યે બાબડા થી ભારવાડા જતા રસ્તે રિક્ષાચાલક મહેશ વેજાભાઈ સાદિયા એ પોતાની રીક્ષા પુરઝડપે ચલાવી હતી.

ત્યારે રસ્તા માં ડુક્કર આડું ઉતરતા રીક્ષા પર થી કાબુ ગુમાવ્યો હતો.જેથી રીક્ષા પલટી મારી ગઈ હતી.જેથી તેનો સાડા ત્રણ વર્ષીય પુત્ર ધાર્મિક રીક્ષા માંથી ફંગોળાઈ ગયો હતો.જયારે શિક્ષા માં બેઠેલા રસિકભાઈ ના પત્ની કિરણબેન,ભારતીબેન રાણાભાઇ શીંગરખીયા,સંધ્યાબેન ચંદુભાઈ મકવાણા,ધ્રુવીબેન ભરતભાઈ પરમાર સહીતનાને પણ ઈજાઓ થઇ હતી.જેથી તેઓને સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.જેમાં ફરજ પર ના તબીબે ધાર્મિક ને મૃત જાહેર કર્યો હતો.જયારે અન્ય લોકો ને દાખલ કરાયા છે.

અકસ્માતની આ ઘટના બનતા ઈજાગ્રસ્તોના પરિવારજનો પણ મોટી સંખ્યામાં હોસ્પીટલે દોડી આવ્યા હતા.અને બાળકના મોતને લઇને વાતાવરણ ગમગીન બની ગયું હતું.પોલીસે રીક્ષા ચાલક મહેશ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.