પોરબંદર

પોરબંદર ખાતે પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સંસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનના સભાગૃહમાં પૂજ્ય ભાઇશ્રીની ઉપસ્થિતિમાં સંસ્થામાં આવેલી શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપક ગુરુજી શ્રી પ્રવિણચંદ્ર પંડયાજી સેવા નિવૃત્ત થતાં એમનો વિદાય સમારોહ અને વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ માં સ્નાતક થયેલા ૭૭ જેટલા ઋષિકુમારોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. દીક્ષાંત સમારોહનો પ્રારંભ પૂજ્ય ભાઇશ્રી અને પાઠશાળાના ગુરૂજનો દ્વારા મંગલ દીપ પ્રાગટય અને ઋષિકુમારો દ્વારા સસ્વર વેદપાઠથી થયો હતો.
સ્વાગત પ્રવચન
કાર્યક્રમની શરૂઆતમાં પાઠશાળાના અધ્યાપક ડૉ.ગૌરીશંકરભાઈ જોષી દ્વારા સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેઓએ ગુરુજી પંડ્યાજી વિશે વાત કરતાં કહ્યું હતું કે ગુરુજી પંડ્યાજી અમારા સાથે અધ્યાપન કાર્ય કરાવતા અને અમારા વડીલ તરીકે અમને સતત માર્ગદર્શન આપતા હતા. આવા અનુભવી વડીલની વિદાય દુઃખદ હોય છે. તેઓએ શિક્ષક અને ગુરુ વચ્ચેનો ભેદ આપતા કહ્યું હતું કે વિદ્યાર્થીને પ્રિય લાગે એવો વ્યવહાર કરે એ શિક્ષક પરંતુ વિદ્યાર્થીના હિત માટે કડવા વચનો કે કઠોર વ્યવહાર કરે એ ગુરુ. આદરણીય પંડ્યાજી અમારા માટે ગુરુ છે. તેઓએ ૩૮વર્ષથી વધુ નિષ્ઠાપૂર્વક વેદભગવાનની સેવા કરી છે. દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત ઋષિકુમારોને વિદાયનો અર્થ આપતા જણાવ્યું કે વિ એટલે વિજયી થાઓ, દા એટલે દાયિત્વનું વહન કરવું અને ય એટલે યશસ્વી થાઓ આમ કહીને આગળના જીવન માટે શુભકામનાઓ આપી હતી.
પ્રધાનાચાર્ય દ્વારા સન્માનપત્રનું પઠન એવં ભાવપૂજન
સ્વાગત પ્રવચન બાદ શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય શ્રી બિપીનભાઈ જોશીએ સન્માનપત્રનું પઠન કરીને, તેમાં રહેલા ભાવોને સમજાવીને ગુરુજી પંડ્યાજી પ્રત્યેના પોતાના હૃદયસ્પર્શી ભાવ વ્યક્ત કર્યા હતા અને ત્યારબાદ પૂજ્ય ભાઇશ્રી અને ગુરુજનો દ્વારા શ્રીપંડ્યાજીને સાલ ઓઢાડી, સન્માનપત્ર આપીને ભાવપૂજન કર્યુ હતુ. ગુરુજી પંડ્યાજીએ પોતાનો પ્રતિભાવ મંત્રાત્મક સ્વરૂપે આપીને આ તકે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુરુજી શ્રીબોબડેજીનું પ્રાસંગિક ઉદ્બોધન
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં અનેક વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવાભાવથી અધ્યાપન અને ગૃહપતિ તરીકે કાર્યરત એવા શ્રીબોબડેજી ગુરુજીએ દીક્ષાંત સમારોહના ઋષિકુમારોને પોતાનો ભાવ વ્યક્ત કરતા કહ્યું કે વિદ્યાર્થીનો આ વિદાય સમારંભ ન કહેતા વિદ્યાર્થીઓનો કાર્યકાળ સમાપ્ત થયો એમ કહેવું જોઈએ કારણ કે ઋષિકુમારોને સાંદીપનિ વિદાય નથી આપતું અને ઋષિકુમારો પણ સાંદીપનિથી પણ વિદાય લેતા નથી. કારણકે કોઈના કોઈ કારણોસર સાંદીપનિમાં આવતા જતાં રહે છે. જેવી રીતે આપણે કન્યા વિદાય કહીએ છીએ પણ કન્યા સાસરે ગયા પછી પ્રસંગાનુસાર પોતાના ઘરે આવતી રહે છે. સાંદીપનિનો ઋષિકુમાર તનથી જુદો થઈ શકે પણ પોતાના મનથી જુદા થવાની ક્યારેય કલ્પના પણ કરી શકે નહિ.

દેશ-વિદેશમાં રહેતા ઋષિકુમારો હર હમેશ સાંદીપનિને યાદ કરતાં જ રહે છે તો સાંદીપનિથી ઋષિકુમારોને કેવી રીતે વિદાય આપી શકાય અને ઋષિકુમાર પણ સાંદીપનિથી પોતાને અલગ માની જ ના શકે અને એવાજ કઈક ભાવો મરાઠી અભંગ દ્વારા પણ વ્યક્ત કર્યા હતા. એમ કહીને સ્નાતક થયેલા ઋષિકુમારોને કહ્યું હતું કે તમે કોઈ પણ પરિસ્થિતીમાં રહો એ પરિસ્થિતિને અનુકૂળ બનાવીને સાંદીપનિના વિચારોને સમાજમાં આપતા રહીને પોતાના અધ્યયનપથ પર રત રહીને જીવનમાં અગ્રસર રહેશો એ જ સાંદીપનિ આપના પાસેથી કામના કરે છે.

શ્રીપંડયાજીના વિદાય સમારંભ વિશે પોતાના ભાવ વ્યક્તા કરતાં કહ્યું કે મે એમની સાથે લગભગ 35 વર્ષ સુધી કાર્ય કર્યું છે. અને આટલા ૩૫ વર્ષમાં એક સારા મિત્ર તરીકે મને એનું સાન્નિધ્ય મળ્યું છે. માત્ર સાન્નિધ્ય જ નહિ પણ એ શરૂઆતના સમયમાં જ્યારે બાબડામાં પાઠશાળા હતી ત્યારે એ કાર્યકાળમાં જે જવાબદારી અને જે કાર્ય અમે સાથે મળીને કરતાં હતા તે બધા કાર્યોનું તેઓએ સ્મરણ કર્યું હતું. તેઓએ કહ્યું કે પંડયાજી દ્વારા વેદવિદ્યા કર્મકાંડ શિક્ષિત ઋષિકુમારો દેશ-વિદેશના મંદિરોનું સંચાલન કરીને સારું પૌરોહિત્ય કર્મ કરાવી રહ્યા છે અને દરેક જગ્યાએ પૌરોહિત્ય કર્મ માટે સાંદીપનિના ઋષિકુમારોનો આગ્રહ કરવામાં આવે છે એ પંડયાજીનું સૌથી મોટું યોગદાન છે. એમનું ભાવિ જીવન સામાજિકકાર્યોમાં વ્યસ્ત, નિરામય અને સત્સંગતિમાં બન્યું રહે એવી શ્રીહરિ અને પૂજ્ય ભાઇશ્રીના ચરણોમાં પ્રાર્થના.

દીક્ષાંત મંત્રોનું પઠન
શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયમાં સાત વર્ષનો અભ્યાસ કરીને વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨માં સ્નાતક થયેલા ૭૭ જેટલા ઋષિકુમારોને તૈત્તિરીયોપનિષદના ૧૧માં અનુવાકના દીક્ષાંત મંત્રો દ્વારા પૂજ્ય ભાઇશ્રીએ દીક્ષાંત ઉપદેશ આપ્યો હતો અને ઋષિકુમારોને દીક્ષાંત પત્ર પણ આપવામાં આવ્યા હતા. આ સમયે ઋષિકુમારોએ પણ સાંદીપનિ પ્રત્યે પોતાની પ્રતિજ્ઞા કરી હતી .
પૂજ્ય ભાઇશ્રીનું પ્રવચન
પૂજ્ય ભાઇશ્રી એ આ પ્રસંગે પોતાના પ્રવચનની શરૂઆત કરતાં કહ્યું કે વેદપાઠી ગુરુજી પંડયાજી નિવર્તમાન ગુરુજી બની રહ્યા છે. કારણ કે કોઈ પણ શિક્ષક અધ્યાપનની પ્રવૃતિથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ શકતા નથી. ભણવું-ભણાવવું, શીખવું-શીખવવું એ જ એક શિક્ષકનું જીવન હોય છે. ઉપસ્થિત ઋષિકુમારોને સંબોધીને પૂજ્ય ભાઇશ્રી કહ્યું કે કેવી રીતે નિષ્ઠાપૂર્વક વિદ્યાર્થી પ્રત્યે અને સંસ્થા પ્રત્યે પૂરા સમર્પણ સાથે આપણાં જીવનને યજ્ઞમય બનાવીને કાર્ય કરવું એ ગુરુજી બોબડેજી અને ગુરુજી પંડયાજી એનું ઉદાહરણ છે.
આજે જે ઋષિકુમારોનો દીક્ષાંત સમારોહ છે. એના માટે આજે કન્યાવિદાય જેવી વાત છે. કન્યા વિદાય સમયે સૌની આંખોમાં આંસુ હોય છે. પણ એ આંસુમાં ક્યાંક ખુશી પણ હોય છે. એ નવું જીવન શરૂ કરવા જઈ રહી છે. અહિયાં ગુરૂજનો એ તમારા પિતાશ્રી છે અને તમારે હવે સેવાર્થ પ્રસ્થાન કરવાનું છે ત્યારે આ ગુરૂજનો અને શ્રીહરિની કૃપાથી તમારામાં યોગ્યતા તો પ્રાપ્ત થઈ છે અને સૌએ જે યોગ્યતા પ્રાપ્ત કરી છે એને તમારે કામે લગાડવાની છે અને પોતાનું સો ટકા સમર્પણ કરવાની લગન સાથે જ્યારે કોઈ કાર્ય કરવામાં આવે એ કામ કેવી રીતે કરવું એની સમાજ તમે મેળવી ચૂક્યા છો તો કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ પોતના કાર્ય પ્રત્યે અંદરથી લગાવ, એ કાર્યને યજ્ઞભાવથી, પૂજાભાવથી કરવાની પ્રબળ ઈચ્છા અને પોતાનું સો ટકા સમર્પણ આપવું જો આ વાત તમારા જીવનમાં આવી તો સફળતા ચોક્કસ મળશે.

તમે બધા જ્યારે સાત-સાત વર્ષોથી ભેગા રહીને હવે અલગ થશો તો ચોક્કસ ગુરુજીને અને સંસ્થાને યાદ કરતાં રહેસો અને વારંવાર આવતા પણ રહેશો. આ સંસ્થા તમારી મા છે. માએ ખૂબ વાત્સલ્ય આપ્યું છે. અન્ન અને વિદ્યા દ્વારા તમારું પોષણ થયું છે. કઠોર અનુશાસન અને એટલો જ કોમળ ગુરૂજનોનો પ્રેમ આ બધાએ તમને ઘડયા છે. આપણે જે પ્રતિજ્ઞા કરી એનું મનન કરજો. તમારા જીવનમાં ક્યારેય એવો પ્રશ્ન થાય કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ ત્યારે તમારી આસપાસ રહેલા વિદ્વાન ધર્મનિષ્ઠ અને જે સક્રિય છે એવા અનુભવી મહાપુરુષોના આચરણને જોઈને સમજવું જોઈએ. મારા સૌ ઋષિકુમારોએ આ સાત વર્ષોમાં પોત પોતાની વિશેષતા દ્વારા સાંદીપનિમાતાની સેવા પણ કરી છે, સાંદીપનિ મા ને સ્પર્ધાઓ કે પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરીને ગૌરવ પણ અપાવ્યુ છે. સાંદીપનિત્વ સુરક્ષિત તો રહે જ પણ સાથે વધે, સમૃદ્ધ થાય, પ્રગાઢ બને અને એની સુગંધ સમાજમાં ફેલાવતા રહો.. સાંદીપનિત્વ જેટલું સમૃદ્ધ થશે તમારું જીવન પણ એટલું જ સમૃદ્ધ થશે. આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ.

આ તકે પાઠશાળાના ઋષિકુમાર કિશન દવે દ્વારા રચિત પુસ્તક વિદ્યયામૃતમશ્નુતે નું પૂજ્ય ભાઇશ્રી અને ગુરૂજનો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીજીવન વિશે સુંદર ભાવો વ્યકત કરવામાં આવ્યા છે.
આ સમગ્ર ઉપક્રમનું શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રી બીપીનભાઇ જોશી અને અન્ય અધ્યાપકો દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું.