પોરબંદર

રાતડી ગામે પ્રાંતઅધિકારી અને મામલતદાર સહિતની ટીમે દરોડો પાડી ચાર ગેરકાયદેસર ખાણ ઝડપી લીધી છે.અને અહી થી 1.25 કરોડથી વધુ કીમત ના 25 ચકરડી સહિતના સાધનો કબ્જે કર્યા છે.જેના પગલે ખનીજચોરો માં ફફડાટ જોવા મળે છે.

પોરબંદર જિલ્લામાં માધવપુરથી મિયાણી સુધીની ૧૦૦ કિમી ની દરિયાઈ પટ્ટી પર વરસો થી ગેરકાયદેસર ખનીજચોરી થઇ રહી છે.ખાણખનીજ વિભાગ ની મીઠી નજર હેઠળ જ ગેરકાયદેસર ખાણો ધમધમતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ત્યારે આ ગેરકાયદેસર ખનન અટકાવવા પોરબંદર ના પ્રાંત અધિકારી કે.વી. બાટી, ગ્રામ્ય મામલતદાર સંદીપસિંહ જાદવ સહિતની ટીમે રાતડી ગામે દરોડો પાડ્યો હતો.

જેમાં નાગાજણ ભૂરા મોઢવાડીયા અને કાંધલ લીલા ઓડેદરા નામના શખ્સો દ્વારા પોતાની માલિકીની જમીન પર બિનખેતી કરાવ્યા વગર પર્યાવરણ વિભાગ કે કે અન્ય કોઈ પણ વિભાગ ની પરવાનગી લીધા વગર પથ્થર ની ચાર ખાણો ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.આથી અધિકારીઓએ ચારેય ખાણો માંથી 25 ચકરડી, 8 ટ્રેકટર, 3 ટ્રક, 2 ડોઝર સહિત ના અંદાજીત રૂ. 1.25 કરોડ ની કીમત નો મુદામાલ કબજે કર્યો છે અને તમામ મુદામાલ સીઝ કરી મિયાણી પોલીસ સ્ટેશન ને સોપવામાં આવ્યો છે.

આ અંગે ખાણખનીજની ટીમ દ્વારા માપણી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જે પૂર્ણ થયા બાદ કરોડો ની ખનીજચોરી બહાર આવે તેવી સંભાવના છે.ગેરકાયદેસર ખાણો પકડવાની જેની જવાબદારી છે.તે ખાણખનીજ વિભાગ ઘોર ઊંઘ માં હોય તેમ તેની કામગીરી વહીવટીતંત્ર ને કરવી પડે છે. જો કે ખાણખનીજ વિભાગ ને ખાણ દીઠ ચોક્કસ રકમ ના નિયમિત હપ્તા મળતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.