પોરબંદર

પોરબંદરના કેશવ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ધો 8 ના વર્ગ ની મંજૂરી ન મળતા ગ્રામજનોએ શાળા ખાતે તાળાબંધી કરી હતી.અને એન એસ યુ આઈ ને સાથે રાખી શિક્ષણાધિકારીને ઉગ્ર રજુઆત કરી હતી.ત્યાર બાદ તંત્ર દ્વારા ધો 8 ના વર્ગ ને મંજુરી અપાઈ હતી.

પોરબંદરના કેશવ ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળા ખાતે ધો 6 અને 7 ના કુલ ૨૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.જેથી શાળા માં ધો 8 ના વર્ગો ને મંજુરી આપવા શાળા દ્વારા રજૂઆત કરાઈ હતી.પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા એવું જણાવાયું હતું કે નવા પરિપત્ર અનુસાર ધો 7 માં ૧૫ વિદ્યાર્થી હોય તો જ ધો 8 ના વર્ગો શરુ કરવા મંજુરી મળશે છેલ્લા 2 વર્ષથી કેશવના ગ્રામજનો દ્વારા પણ મંજુરી માટે અવાર નવાર રજુઆત કરવામાં આવતી હતી.છતાં મંજુરી ન મળતા શાળામાં સત્ર ના પ્રથમ દિવસે જ ગ્રામજનો એ શાળા ને તાળાબંધી કરી હતી.

ગ્રામજનો એ જણાવ્યું હતું કે ગામના બાળકો નું ભાવી જોખમ માં મુકાયું હોવાથી ન છુટકે આ પગલું ભરવું પડ્યું છે. ગ્રામજનો એ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે એન એસ યુ આઈ ને સાથે રાખી રજૂઆત કરી જણાવ્યું હતું કે નજીકના જિલ્લામા શાળા ખાતે ઓછી સંખ્યા હોવા છતાં વર્ગ વધારાની મંજૂરી આપવામાં આવે છે.તેમજ ક્રાઇટેરિયા મુજબ 3 કિમિ ની ત્રિજ્યા માં કોઈ શાળા ન હોય તો ધો 8 ને મંજુરી આપવી જ પડે.ઉગ્ર રજૂઆત ના પગલે શિક્ષણાધિકારી દ્વારા ધો. 8ના વર્ગ વધારાની મંજૂરી અપાઈ હતી.