પોરબંદર

બલ્ક ડીઝલના ભાવમાં કમરતોડ વધારો થયો છે.જેથી પોરબંદર એસટી વિભાગ દ્વારા બલ્ક ડીઝલ લેવાનું બંધ કરી શહેર ના અન્ય પેટ્રોલપંપમાંથી ડીઝલ ખરીદવાનું શરૂ કરતા બલ્ક ડીઝલ ના ભાવની સરખામણી એ દરરોજ અડધા લાખ થી વધુ રૂપિયાની બચત થઇ રહી છે.

પોરબંદર સહીત રાજ્યભર માં બલ્ક પેટ્રોલ ડીઝલ ના ભાવો માં કમરતોડ વધારો ઝીંકાયો છે.જેની અસર માછીમાર ઉદ્યોગ ઉપરાંત એસટી વિભાગ પર પણ થઇ છે.અગાઉ પોરબંદર એસટી વિભાગ દ્વારા બલ્ક ડીઝલની સીધી પેટ્રોલીયમ કંપની પાસે થી ખરીદી કરી એસટી ડેપો ખાતે બનાવવામાં આવેલ પંપ મારફત બસ માં ડીઝલ પુરવામાં આવતું હતું.

પરંતુ ગત ૧૯ માર્ચ થી બલ્ક ડીઝલના ભાવ માં લીટરે ૨૫ રૂપિયાનો ભાવવધારો ઝીંકાયો હતો.પોરબંદર એસટી વિભાગ દ્વારા દરરોજ ૬૦ થી વધુ બસો નું સંચાલન કરવામાં આવતા દરરોજ ૪૨૦૦ થી ૪૫૦૦ લીટર ડીઝલની જરૂરિયાત રહે છે.એકીસાથે આટલો ભાવવધારો ઝીંકાતા એસટી વિભાગે બલ્ક ડીઝલ ખરીદવાનું બંધ કર્યું હતું.અને શહેર ના અન્ય પેટ્રોલપંપ ખાતે થી ડીઝલ ભરાવવાનું શરુ કર્યું હતું.હાલ માં બલ્ક ડીઝલ નો ભાવ ૧૧૪ રૂ પ્રતિ લીટર છે.જયારે બજાર માં તેનો ભાવ રૂ ૯૯ પ્રતિ લીટર છે.આથી બલ્ક ડીઝલના ભાવ સરખામણી એ શહેર ના પંપો માંથી ડીઝલ ખરીદતા એસટી વિભાગ ને દરરોજ નો અડધા લાખ થી વધુ રૂ ની બચત થાય છે.

સામાન્ય રીતે હોલસેલ અને ભાવમાં ફરક હોય છે.હોલસેલ માં ખરીદી સસ્તી પડતી હોય છે.જયારે રીટેઈલ માં થોડી મોંઘી પડતી હોય છે.પરંતુ પેટ્રોલીયમ ના ક્ષેત્રમાં તેનાથી ઉલટી ગંગા વહી રહી છે.ડીઝલની જથ્થાબંધ ખરીદી કરવી હોય તો વધુ ભાવ માં પડે છે.જયારે રીટેલ ખરીદી માં લીટરે રૂ ૧૫ નો ફાયદો થાય છે.