પોરબંદર

પોરબંદર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી છે.જેમાં કિર્તીમંદિર પોલીસ વહાલા-દવલાની નીતિ રાખતું હોવાની ફરિયાદો જીલ્લા પોલીસવડા સમક્ષ થતા આ અંગે સીટી ડીવાયએસપી દ્વારા તપાસ શરુ કરાઈ છે.

પોરબંદર શહેરમાં જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે.આ કામગીરી નિષ્ઠાપૂર્વક થવી જોઈએ.પરંતુ કિર્તીમંદિર પોલીસ મથકનો સ્ટાફ અને અધિકારીઓ વહાલા-દવલાની નીતિ રાખતી હોવાની અનેક ફરિયાદો ઉઠી છે.આ અંગે જીલ્લા પોલીસવડા ને પણ રજૂઆત કરવામાં આવી છે.કે કારમાં કાળા કાચ હોય,વાહન ચાલક પાસે લાયસન્સ ન હોય,વીમો ન હોય કે આર.સી. બુક જેવા મહત્વના ડોકયુમેન્ટ ન હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

પરંતુ કિર્તીમંદિર પોલીસ મથક ના પી એસ આઈ પરમાર જાણે કે અધિકારી રાજમાં માનતા હોય,તેમ પોતાની મનમાની ચલાવી રહ્યા છે.અનેક રાજકીય આગેવાનો,અધિકારીઓ ની કાર માં કાળા કાચ છે,અનેક વગદાર લોકો પાસે વાહનો ના પૂરતા કાગળો કે લાયસન્સ ,વીમો પણ હોતા નથી.પરંતુ ત્યાં પોલીસ દ્વારા લાજ કાઢવામાં આવે છે.લાગવગ વિહોણા તેમજ નાના માણસો સામે જ કાયદા નો દંડો ઉગામવામાં આવે છે.જે બિલકુલ વ્યાજબી નથી.

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ સામાન્ય માણસને સાંઈઠ ટકા બ્લેક ફિલ્મ અને ૪૦ ટકા ટ્રાન્સપરન્સીવાળા રીયલ કાચ અંગે છૂટ અપાઈ છે,પરંતુ સરકારી વાહનોમાં તો તે પણ છૂટ આપવામાં આવી નથી.સરકારી વાહનોમાં અંદરનું વ્યકિત રીતસર દેખાય તે રીતે ટ્રાન્સપરન્સીવાળા કાચ હોવા જોઈએ, તેમ છતાં પોરબંદરના કેટલાયે અધિકારીઓ બ્લેક ફિલ્મવાળી કાર વાપરી રહ્રાા છે, પરંતુ કિર્તીમંદિર પોલીસનું મોઢું આવા અધિકારીઓ સામે સિવાઈ જતું હોય તેવું લાગે છે.

આ અંગે સીટી ડીવાયએસપી જે સી કોઠીયા ને વિડીયો રેકોર્ડીંગ પણ આપવામાં આવ્યા છે.આ અંગે ડીવાયએસપી કોઠીયા ને પૂછતા તેઓએ એવું જણાવ્યું છે કે અનેક ફરિયાદો મળતા આ અંગે જવાબદાર અધિકારી સામે ખાતાકીય તપાસ શરુ કરવામાં આવી છે.ત્યાર બાદ પગલા લેવામાં આવશે.