પોરબંદર

કોરોનાની બીજી લહેરમાં ઓકસીજનના અભાવે અનેક દર્દીઓ ના મોત થયા હતા ત્યારે પોરબંદર ખાતે ઈન્ડીયન મેડીકલ એસોશીએશન દ્વારા આગામી 2 વર્ષ માં ૫૦૦૦ વૃક્ષો નું વાવેતર કરી જતન કરવા નિર્ણય લેવાયો છે.પ્રથમ તબક્કે ૩૦૦ વૃક્ષો નું વાવેતર કરી આ શુભકાર્ય ની શરુઆત કરાઈ હતી.

હાલ ના ગ્લોબલ વોર્મિંગ ના સમય માં વૃક્ષો એ અતિ મહત્વના અને ઉપયોગી હોવાથી પોરબંદર ઈન્ડીયન મેડીકલ એસોશીએશન દ્વારા ‘ગ્રીન પોરબંદર’ પ્રોજેકટ અંતર્ગત ૫૦૦૦ વૃક્ષો નું વાવેતર અને જતન કરી શહેરને હરીયાળુ બનાવવા પ્રયાસો હાથ ધરાયા છે.આ અંગે માહિતી આપતા આઈ એમ એ ના પ્રમુખ ડો કૌશિક પરમારે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ના પ્રથમ તબકકે ધરમપુર ખાતે આવેલ વેટરનરી ક્લિનીક ખાતે ૩૦૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે.તે ઉપરાંત આગામી દિવસોમાં સાંદીપની સ્પોર્ટસ સંકુલ, હાઈ વે ઉપર ટોલનાકા આસપાસ વૃક્ષારોપણનું આયોજન હાથ ધરવામાં આવશે.

કોરોનાની બીજી લહેર વખતે ઓકસીજનના અભાવે નજર સમક્ષ દર્દીઓ ટપોટપ મરતા હતા.જો વૃક્ષો પુરતા પ્રમાણમાં હશે તો ઓકસીજન પુરતા પ્રમાણમાં રહેવાથી લોકોને તેની તકલીફ ઉભી થવાની સંભાવના ખુબ જ ઘટી જાયછે.વધુમાં વધુ વૃક્ષોનો ઉછેર થાય તે જરૂરી છે.જેથી હવા સાફ થાય છે અને ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી થાય છે.આ પ્રોજેક્ટ માં માત્ર તબીબો જ નહી પરંતુ તેમના પરિવારજનો પણ જોડાયા હતા.અને બાળકોના હસ્તે પણ વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું અને આવનાર પેઢી પણ વૃક્ષો ઉછેરવા જાગૃત બને તે માટે પ્રયાસ થયો હતો.

ડો પરમારે વધુ માં જણાવ્યું હતું કે માત્ર વૃક્ષ વાવવું અને તેના ફોટા પાડી છુટું પડવું એ યોગ્ય ન કહેવાય તેનું વ્યવસ્થિત જતન અને સંવર્ધન પણ થવું જોઈએ.આથી જે વૃક્ષારોપણ તેમના દ્વારા કરવામાં આવશે તેની બે વર્ષ સુધીની કાળજી પણ તબીબો લેશે.અને તેનો ખર્ચો પણ તેઓ જ ભોગવશે.કારણ કે રોપા વાવ્યા પછી તેનું જતન અને જાળવણી કરવામાં તેની ભાગ્યે જ ગંભીરતા દાખવવામાં આવતી હોય છે.પરંતુ તબીબોએ બે વર્ષ સુધી આ વૃક્ષોને દતક લઇને તેમનો તમામ ખર્ચ ભોગવવા સહિત જતન જાળવણી માટે તેઓ રૂબરૂ આવશે.

તબીબોએ હાથ ધરેલ પ્રોજેકટ ‘ગ્રીન પોરબંદર ની પહેલને બિરદાવવામાં આવી રહી છે.ડોકટરો દર્દીઓની સેવામાં ખુબ જ વ્યસ્ત હોય છે. ત્યારે તેમનો કીંમતી સમય કાઢીને પર્યાવરણ બચાવવા,વૃક્ષો અંગે જનજાગૃતિ ફેલાવવા માટે પ્રવૃતિ હાથ ધરી છે.જેને પોરબંદર શહેરના શ્રેષ્ઠીઓ, નગરજનો દ્વારા બિરદાવવામાં આવી છે.