પોરબંદર

સમગ્ર દેશમાં સ્વચ્છતાની પહેલ માટે સરકાર દ્રારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે.સ્વચ્છતાને ફરજ સમજી સ્વચ્છતા જાળવવા માટે સરકાર દ્રારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ-૨ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ સંપુર્ણ સ્વચ્છતા જળવાય રહે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.દેશના તમામ ગામડાને સ્વચ્છ રાખવા માટે સરકાર દ્રારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.મારૂ ગામ સ્વચ્છ ગામની પહેલ કાર્યરત કરાઈ છે.

પોરબંદર જિલ્લામાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૨૧ અંતર્ગત થયેલ સર્વેની કામગીરીની ચકાસણી માટે ગ્રામ વિકાસ મંત્રાલય દિલ્હી ખાતેથી અધિકારીઓ દ્રારા રૂબરૂ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.ગ્રામ વિકાસ મંત્રાલય (દિલ્હી) ખાતેથી ડો. અનુપ ત્રિપાઠી અને તેમની ટીમ દ્વારા પોરબંદર જિલ્લામાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૨૧ અંતર્ગત થયેલ સર્વેની ચકાસણી અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ-૨ અંતર્ગત કરવામાં આવેલ કામગીરીની ચકાસણી કરવા માટે આવી હતી.આ ટીમ દ્રારા પોરબંદર તાલુકાના બરડીયા ગામની સ્થળ મુલાકાત લઈ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કરવામાં આવેલ કામોની ચકાસણી કરવામાં આવી હતી.

આ ટીમ બરડીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ સાથે સંવાદ કરી ગામની સ્થિતિ અંગે જાણકારી મેળવ્યા બાદ વ્યક્તિગત શૌચાલય અને સોકપીટની મુલાકાત કરવામાં આવી હતી. જિલ્લાકક્ષાની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની ટીમના ડિસ્ટ્રીક કો.ઓર્ડીનેટર ધવલભાઈ મઢવી, SWM કન્સલટન્ટ પ્રકાશભાઇ ડોડીયા, એન્જીનિયર સંદિપભાઈ કોડીયા અને HRD કન્સલટન્ટ હાર્વિકભાઈ બાપોદરા તથા તલાટીમંત્રી ઉપસ્થિત રહેવાની સાથે સર્વેની ચકાસણીની કામગીરીમાં ફરજ બજાવી હતી. વધુમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદરના નિયામક રેખાબા સરવૈયા સાથે બેઠક યોજી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશનની થયેલ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જિલ્લાના તમામ ગામો ઓ.ડી.એફ.પ્લસનો દરજ્જો પ્રાપ્ત થાય તે દિશામાં આગામી સમયમાં કામગીરી હાથ ધરવા માટે સુચન કર્યું. નિયામક રેખાબા સરવૈયા દ્રારા જણાવ્યું કે, આગામી વર્ષ ૨૦૨૨-૨૩માં પોરબંદર જિલ્લાના મોટાભાગના ગામોને ઓ.ડી.એફ. પ્લસનો દરજ્જો મળે તે મુજબ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.