પોરબંદર

કેન્દ્ર સરકારના ૮ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત પોરબંદર જિલ્લાના મહિયારી ખાતે પ્રવાસન અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લાના લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી.

વાહન વ્યવહાર, નાગરિક ઉડ્યન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીએ આ અવસરે લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરી કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ આઠ વર્ષમાં ભારત વિકાસ ની ઊંચાઈને આંબીને છેવાડા માનવીને સરકારની અનેક યોજનાઓના લાભ આપ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન કાર્ડ,વિનામૂલ્યે ગેસ કનેકશન,ખેડૂતલક્ષી યોજનાઓ સહિત અનેક યોજનાઓ શરૂ કરીને જન જનને તેના લાભો આપ્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત નાગરિકોની સેવા અને સર્વાંગી વિકાસમાં નવા આયામો સિદ્ધ કરી રહ્યું છે.ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના,કુંવરબાઇ મામેરું યોજના સહિત સર્વાંગી વિકાસલક્ષી યોજનાઓ શરૂ કરીને તેની અમલવારી કરી યોગ્ય લાભાર્થીના હાથમા જરૂરી લાભો આપવામાં આવે છે.

આ તકે મંત્રીએ જે લાભાર્થીઓને લાભો મળ્યા છે તે લાભાર્થીઓ અન્ય લોકોને લાભ મળે તે માટે માહિતી આપે તે પણ અનુરોધ કર્યો હતો. મંત્રીએ પોરબંદર ની ટીમ દ્વારા તમામ પાત્રતા ધરાવતા અરજદારોને લાભ મળે તે માટે કરવામાં આવેલા પ્રયાસોને પણ બિરદાવ્યા હતા.

આ પ્રસંગે કારોબારી ચેરમેન રમેશભાઈ ઓડેદરાએ કહ્યું કે, સંસ્કૃતિને વરેલા મહિયારી ગામમાં સરકારે આ કાર્યક્રમ યોજીને લાભાર્થીઓને લાભ આપવા સરકાર ખુદ આંગણે આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આઠ વર્ષમાં ખરા અર્થમાં સુશાસન થયું છે.આ પ્રસંગે મહાનુભાવોએ મુખ્ય સ્ટેજ પરથી કેન્દ્ર સરકારની આવાસ યોજના, કિસાન સન્માન નિધિ, ઉજ્જવલા યોજના,વન નેશન વન રેશનકાર્ડ, પોષણ અભિયાન સહિત જુદી-જુદી ૧૫ યોજનાઓનાં લાભાર્થીઓને સહાય/ચેક વિતરણ કરાયા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંધલભાઇ જાડેજા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઇ કોઠારી,પૂર્વ ધારાસભ્ય કરશનભાઇ ઓડેદરા સહિત તાલુકા પંચાયતના પ્રમુખો,સભ્યો,જિલ્લા કલેટકર અશોક શર્મા,જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા સહિત અધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ મહિયારી ગામના સરપંચ ભરતભાઇ પરમારે તથા સંચાલન પુજાબેન રાજાએ કર્યુ હતું.

મહિયારી ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાના લાભો મળ્યાં છે: સરપંચ ભરતભાઈ પરમાર

૮ વર્ષ સેવા, સુશાસન. અને ગરીબ કલ્યાણ અંતર્ગત જિલ્લા કક્ષાનો સહાય/ કીટ વિતરણ કાર્યક્રમ રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહિયારી ગામ મહેર સમાજ ખાતે યોજાયો હતો. આ તકે મહિયારી ગામના સરપંચ ભરતભાઈ પરમારે પોતાના પ્રતિભાવો જણાવીને કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓના લાભો ગ્રામજનો સુધી પહોંચ્યા છે તેમ જણાવ્યું હતું.

સરપંચે  કહ્યું કે, ગામમાં ખેડૂતોને કિશાન સમ્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક રૂ. ૬ હજારની સહાય મળે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે ઉજ્જવલા યોજના હોય, આયુષ્માન કાર્ડ, ઇ-શ્રમ કાર્ડ, માતૃ વંદના યોજના સહિત કેન્દ્ર અને રાજ્ય ની જનહિતલક્ષી યોજનાઓના લાભો અમારા ગ્રામજનોને મળ્યાં છે. આ યોજનાઓ શરૂ કરીને છેવાડાના માનવી સુધી યોજના પહોંચે તેની તકેદારી રાખવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરું છું.