કુતિયાણા

કુતિયાણાના સેગરસ ગામે રહેતા લાખીબેન લક્ષ્મણભાઈ ઓડેદરા (ઉ.વ. ૫૮) એ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ આજે બપોરના સમયે કુતિયાણાના રોઘડા ગામે રહેતો નારણ વીઘા બાબરિયા, જીગ્નેશ લખમણ બાબરિયા તથા તેની સાથે ૮ થી ૧૦ અજાણ્યા માણસો બે કાર લઈને તેની વાડીએ ધસી આવ્યા હતા. સાથે લાકડી અને પાઈપ જેવા હથિયારો પણ સાથે લાવ્યા હતા. અને લાખીબેને કાન માં પહેરેલા સોના ના વેઢલા તથા સોના ની કંઠી તેમજ તેમના પુત્ર મયુરે પહેરેલ સોના નો ચેન મળી કુલ સાડા સાત તોલા દાગીના અને મકાનમાં ઓશિકા નીચે રાખેલ બે લાખ રૂપિયાની રોકડ મળી કુલ સાડા ત્રણ લાખ રૂપિયાની લૂટ ચલાવી હતી. અને લાખીબેન, તેમના પુત્ર મયુર તથા તેમના પતિ લક્ષ્મણભાઈ પર હુમલો કરી અને ઈજાઓ પણ પહોચાડી હતી. ગત ૨૬ મી જન્યુઆરી ના રોજ લાખીબેનના પુત્ર નાગાજણે આરોપી જીગ્નેશની કાકા ની પુત્રી શીતલ સાથે ભાગી જઈને અમદાવાદ ખાતે પ્રેમલગ્ન કર્યા હતા. જેનું મનદુઃખ લઈને આ હુમલો અને લૂટ થઇ હોવાનું ફરિયાદી લાખીબહેને પોલીસને જણાવ્યું છે. પોલીસે આ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.