પોરબંદર

પોરબંદર નજીક હાથલા ગામે શનિદેવ ના મંદિર ખાતે શનીશ્વરી અમાસની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. પોરબંદર ઉપરાંત સૌરાષ્ટ્ર ના અન્ય શહેરો માંથી પણ ભક્તો નું ઘોડાપુર ઉમટશે.

પોરબંદર નજીકના હાથલા ગામે શનિદેવના મુખ્ય મંદિરે આજે શનૈશ્વરી અમાસના દિવસે હજારો શ્રધ્ધાળુઓ પુજા-અર્ચના કરવા માટે ઉમટી પડશે.આ ઉપરાંત ભાવિકો અને ભક્તો અહીં કુંડમાં પુણ્ય સ્નાન કરી ધન્યતા અનુભવશે.ન્યાયના દેવતા ગણાતા ભગવાન શનિદેવની પુજા-અર્ચના કરવા માટે વર્ષમાં બે વખત શ્રેષ્ઠ દિવસો આવે છે.જેમાં એક તો વૈશાખી અમાસના દિવસે શનિદેવના જન્મ દિવસે તેમજ શનૈશ્વરી અમાસ.આજે 4 ડીસેમ્બર ના દિવસે શનૈશ્વરી અમાસ હોવાથી શનિદેવના જન્મ સ્થાન એવા હાથલા ગામે શનૈશ્વરી અમાસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવશે.

આ પૌરાણિક મંદિરે ખાસ કરીને મંગળ અને શનિવારના રોજ શ્રધ્ધાળુઓ દર્શન માટે આવતા જ હોય છે.પરંતુ જે રીતે શની જયંતિ ના દિવસે પુજાનું જેટલું મહત્વ રહેલું છે.તેટલું જ શનૈશ્વરી અમાસના દિવસે પણ જોવા મળે છે. આજે શનૈશ્વરી અમાસ હોવાથી શ્રધ્ધાળુઓ મંદિર પાસેના શનિ કુંડમાં સ્નાન કરી પનોતી ઉતારશે.ત્યારબાદ અહીં પુજા-અર્ચના કરશે.વહેલી સવારે પાંચ વાગ્યાથી જ શની ભક્તો નો પ્રવાહ શરૂ થઈ જશે.અને મોડી રાત્રિ સુધી યથાવત રહેશે.

શનિ દોષ નિવારણ અને શનિ દેવની કૃપા મેળવવા માટે શનિવારે આવતી અમાસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.આ સાથે જ આ દિવસે સૂર્ય ગ્રહણ પણ હોવાથી વિશેષ મહિમા રહેશે.હાથલા ગામે શનિદેવના મંદિરે દર્શન કરવા ભાવિકો ઉમટી પડે છે.માન્યતા અને શ્રદ્ધા એવી છે કે પનોતી દૂર કરવા ચપ્પલ અને પહેરેલ કપડા અહીં મૂકીને જવા. જેથી ભાવિકો કુંડ નજીક સ્નાન કરી કપડા અને ચપ્પલ ત્યાં ઉતારી દે છે.અને સાથે લાવેલ કપડા,ચપ્પલ પહેરી લે છે.જેથી અહી ચપ્પલ નો પણ ખડકલો થશે.

ભારતભરમાં હાથલા શનિ મંદિર એક જ એવું સ્થાનક છે કે જ્યાં સ્ત્રીઓ સહિ‌ત ભક્તો પોતાની જાતે ભગવાનની પુજા-અર્ચના કરી શકે છે.આ શનિ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે શનિદેવ હાથીની સવારીએ અહીં આવ્યા હતા.અને તેમણે આ રીતે અહીં પોતાનું સ્થાનક બનાવ્યું હતું.પુરાતત્વ ખાતું આ મંદિરને પનોતી દેવી મંદિર તરીકે ઓળખાવે છે. અહીં શનિ દેવ પોતાની પત્ની પનોતી દેવી સાથે પધાર્યા હોવાથી આ મંદિરને પનોતી મંદિર તારીકે ઓળખાય છે.
શની કુંડ નું અનેરું મહત્વ
હાથલામાં શનિમંદિરની પાસે આવેલા શનિકુંડનું પણ અનેરૃ મહત્વ છે,વર્ષો પૂર્વ રાજા દશરથ રામ અને લક્ષ્મણને લઈને દ્વારકા જવા નીકળ્યા હતા.એવામાં આ બાજુ આવતા હાથલા સુધી પહોંચ્યા અને પાછળ મહાદેવનું મંદિર છે.ત્યાં આરતી થઈ.આથી,દશરથજીને થયું કે આ તો આપણે દ્વારકા પાછળ છોડી દીધું,તેઓ પાછા ફર્યા ત્યાં વચ્ચે આ સ્થળે રામજીને તરસ લાગી,તેના પાણી માટે થઈને બાણથી દશરથજીએ પાણીનો પ્રવાહ નીકાળ્યો.તે આજે શનિકુંડ તરીકે પ્રસિદ્ધ છે.

આ શનિકુંડને લઇને એવું પણ કેહવામાં આવે છે કે, અહીંયા વર્ષો પહેલા પાંડવો જયારે શનિદેવના ચક્કરમાં ચકરાયા હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જણાવ્યું હતુ કે,હાથલા ગામે પાવનકારી શનિકુંડમાં સ્નાન કરવાથી શનિના તમામ અનિષ્ટો દુર થશે.અને પાંડવો હાથલામાં આવીને શાસ્ત્રોકત યજ્ઞ પુજનવિધી કરાવીને પાંચેય ભાઈઓએ પાવનકારી શનિકુંડના પાણીથી સ્નાન કરીને શ્રધ્ધાભાવથી યજ્ઞાવિધિ આરતી કરાવ્યા હતા.અને શનિદેવના આર્શિવાદ મળતા તેઓએ વિજય મેળવ્યો હોવાનું પણ માનવામાં આવે છે.