પોરબંદર

ઓખા નજીક અરબી સમુદ્રમાં ગત રાત્રે બે કાર્ગો જહાજ વચ્ચે ટક્કર થતા સમુદ્ર માં ઓઈલ લીકેજ ન થાય તે માટે કોસ્ટગાર્ડ ની શીપ દોડી ગઈ હતી.અને સતત મોનીટરીંગ કરવામાં આવ્યું છે.જો કે,દરિયાઇ સૃષ્ટિને નુકશાન થાય તેવું કઈ ન થયાનું માલુમ પડતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો.છતાં સમગ્ર વિસ્તારમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

ઓખાથી ૧૦ નોટીકલ માઇલ દૂર અરબી સમુદ્રમાં બે વિદેશી કાર્ગો જહાજ વચ્ચે ગત રાત્રે ૯-૩૦ આસપાસ જોરદાર ટક્કર સર્જાઇ હતી.જેમાં એક જહાજ હોંગકોંગનું એમવી એટલેંટીક ગ્રેસ છે.જેમાં શીપ ના કેપ્ટન પ્લાનીયન અજયકુમાર ની સાથે ૨૧ ભારતીય ક્રુમેમ્બર સવાર હતા.જે જહાજ ઓઈલ અને કેમિકલ નું વહન કરે છે.અને બીજું શીપ માર્શલ આઇલેન્ડનું એમવી એવીએટર હતું.જેમાં શીપ ના કેપ્ટન મેલુ દારીઓ સહીત ૨૨ ફિલિપાઈન્સ ના ક્રુમેમ્બર સવાર હતા. જે શીપ જથ્થાબંધ માલવાહક છે.મધદરિયે વિદેશી જહાજ વચ્ચે ટક્કરના અહેવાલ મળતા જ કોસ્ટગાર્ડની મુન્દ્રા નજીક પેટ્રોલિંગ કરી રહેલી ચાર્લી ૪૦૩ અને ઓખા થી ચાર્લી ૪૧૧ પેટ્રોલિંગ શીપ તુરંત રવાના કરાઈ હતી.

ઉપરાંત જહાજ વચ્ચે ટક્કર ના કારણે ઓઈલ લીક થવાથી વિશાળ સમુદ્ર માત્રા માં ઓઈલ,કેમિકલ ફેલાઈ જવાના કારણે દરિયાઈ પ્રદુષણ ની સંભાવના હોવાથી કોસ્ટગાર્ડ નું પ્રદુષણ નિયંત્રક જહાજ સમુદ્ર પાવક પણ તુરંત રવાના કરાયું હતું. ઉપરાંત કોસ્ટગાર્ડ ના હેલિકોપ્ટર દ્વારા પણ સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.જો કે હજુ સુધી સમુદ્ર માં ઓઈલ ફેલાવા ના કોઈ અહેવાલો મળી રહ્યા નથી.તેમ છતાં કોસ્ટગાર્ડ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.જહાજ વચ્ચે જ્યાં ટક્કર થઇ તે સંવેદનશીલ દરિયાઈ જીવસૃષ્ટિ ધરાવતો અનામત વિસ્તાર છે.ઓઇલ-કેમીકલ ટેન્કર હોવાથી તેનું ઓઈલ લીકેજ થાય તો મોટા દરિયાઈ પ્રદુષણનું જોખમ હતું.એટલે કોસ્ટગાર્ડ દ્વારા તાબડતોબ ચકાસણી કરવામાં આવી હતી.પ્રાથમિક ચકાસણીમાં કોઇ ઓઇલ લીકેજ માલુમ પડ્યું ન હતું.દરિયાઇ પ્રદુષણના પણ સંકેત મળ્યા ન હતા.છતાં પરિસ્થિતિનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

૧૮૩ મીટર લંબાઈ અને ૩૨ મીટર પહોળાઈ ધરાવતું એટલેંટીક ગ્રેસ જહાજ કંડલા થી રવાના થયું હતું.અને સાઉદી અરેબિયા ના ફુજીરાહ બંદર તરફ જઈ રહ્યું હતું.જયારે ૧૪૦ મીટર લંબાઈ અને ૨૫ મીટર પહોળાઈ ધરાવતું એવીએટર જહાજ પણ કંડલા થી રવાના થયું હતું.અને ટુના બંદર એન્કરેજ માટે જઈ રહ્યું હોવાનું જાણવા મળે છે.જો કે,ક્યા કારણોસર બંને જહાજ વચ્ચે અકસ્માત થયો તે જાણી શકાયુ નથી.અકસ્માતમાં સદનસીબે 43 ક્રૂ-મેમ્બરનો બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી,જોકે બંને શિપમાં નુકસાન થયું છે.